હિમાલયને જેટલી વાર જુઓ એટલી વાર અનોખા અંદાજમાં જોવા મળે છે. હા દરેક વખતે નજારો અલગ જોવા મળે છે 2400 કિલોમીટર લાંબો અને 400 km પહોળો એવા હિમાલયની ગોદમાં અનેક અજાયબીઓ છુપાયેલ છે. આકાશને પૂછતા પર્વતો અને મેદાનો પર પહોંચવા મથતી નદીઓ અને તેના વાતાવરણની આબોહવા શુદ્ધ અને અલૌકિક શાંતિ આપે છે.
મેં હિમાલયનો પ્રવાસ ઘણી વખત કર્યો છે. દરેક વખતે નવી જગ્યા અને તેના રહસ્યને શોધવા પ્રયત્ન કરું છું. એકલા સફર ની મોજ માં રખડતો રહું છું એટલે કે હું અને હિમાલય બંને એકબીજા સાથે મુક્ત વાતો કરી શકીએ. હિમાલયના ગામડાઓ અને તે ગામડાઓમાં રહેતા વિવિધ પરંપરા ઉજવાતા લોકો સાથે રહેવાનો એક અલગ જ આનંદ હોય છે. તેની રીતભાત અને ખાણીપીણી પણ અલગ હોય છે બસ શુદ્ધ શાકાહારીનું ધ્યાનમાં રાખીને ખાણી પીની તે લોકોની અપનાવતો હોઉં છું. મને દરેક વખતે હિમાલયએ અલગ અનુભવ કરાવ્યો છે. દરેક પ્રવાસ મારો જ્ઞાનથી ભરપૂર હોય છે. હા સમય ઓછો મળતો હોવાથી લખવાનો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે એક સફરનો અનુભવ લખતો હોઉં છું. આજે વાત છે પાર્વતી વેલીમાં વસેલા ગામ મલાણા ની .......જે તેના ભૌગોલિક સ્થાન માટે જાણીતું છે પણ સાથે સાથે તેની સાંસ્કૃતિક પરંપરા અને ત્યાંના અલગ કાયદા કાનૂન માટે પણ જાણીતું છે.મલાણા ગામ ભારતના હિમાચલ પ્રદેશનો એક અપવાદ ગામ પણ ગણી શકાય છે આ ગામના લોકો ભારતીય પરંપરાથી પોતાને જુદા ગણાવે છે. તેને ભારતીય સાથે ખૂબ ઓછી લેવાદેવા છે એવું કહી શકાય છે. તે ગામની મુલાકાત લો ત્યારે આ વાતનો અંદાજ તમને આવી જાય છે.
ચારે બાજુ પહાડો થી ઘેરાયેલા આ ગામ મોટાભાગના ભારતીયોથી અજાણ ગામ છે ગામની હકીકત સાંભળતા તમને વિચાર આવશે કે શું આવું ગામ ભારતમાં આવેલ હશે ?..... ચંદ્રખાની ટ્રેક કરતાં ગામની મુલાકાત મે લીધી હતી. આ ગામના કાયદાઓ અલગ છે અહીંના લોકોનો તોછડો સ્વભાવ પણ અલગ પ્રકારનો છે.
દરિયાની સપાટીથી લગભગ 9000 ફૂટ ઊંચાઈ પર આવેલ મલાણા ગામ ......આ ગામના લોકો પોતાને શુદ્ધ આર્યન જાતિના લોકો માને છે જ્યારે અન્ય ભારતીઓને તે શુદ્ધ આર્યન માનતા નથી. એટલે કે અન્ય ભારતીઓને નીચી નજરે જુએ છે. અહીં ગામમાં તમે કોઈ વ્યક્તિને સ્પર્શ કે હાથ મિલાવો જેવો વ્યવહાર પણ કરી ન શકાય કે તેના રહેણાંક મકાનોને પણ અડવાની મનાઈ છે અથવા અંદર જવાની મનાઈ હોય છે ગામમાં જમલું દેવતાનું મંદિર છે જે તમને દૂરથી દર્શન કરી શકો છો મંદિરમાં અન્ય ભારતીય એટલે કે ગામ સિવાયના લોકોને પ્રવેશ બંધી છે. મતલબ એવો કે કોઈને સ્પર્શ કરો કે કોઈના મકાનની અંદર પ્રવેશ કરો તો ત્યાં અપરાધ માનવામાં આવે છે અને આ અપરાધ બદલ 2500 થી ₹3,000 નો દંડ તેની ગામ પંચાયત વસૂલ કરે છે.
હા ગામમાં થી કોઈ વસ્તુની ખરીદી કરો તો ગામના લોકો પૈસા કે રૂપિયાને હાથો હાથ લેતા નથી તેની માટે લાકડા અથવા લોખંડ માંથી બનાવેલા ચીપિયા થી રકમ લેતા હોય છે. અહીં કાયદા વિચિત્ર પ્રકારના છે અહીં ભારતીય કાયદાઓને લાગુ પાડવામાં આવતા નથી કે તે લોકો તેને માન્ય ગણતા નથી તેના પોતાના કાયદાઓને જ માન્ય ગણે છે તેઓ ભારતીય તરીકે સમજવામાં પણ શોભ અનુભવે છે. અહીં ન્યાય આપવા માટે ગામમાં જ નીચલી અને ઉપલી એમ બે કોર્ટ આવેલી છે ન્યાયનો ચુકાદો આપવા માટે જમલુ દેવતાના નામના ન્યાયાધીશનો ઉપયોગ કરવામાં આવે છે.
અહીં ગાંજા ની ખુલ્લે આમ ખેતી કરવામાં આવે છે અને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે.જેમાં ભારતીય કાયદા કાનૂન કોઈ રોકટોક કરી શકતી નથી. અહીં મોટેભાગે ગાંજા ચરસના શોખીન લોકો આસપાસના વિસ્તારોમાં રહે છે તે ઉપરાંત ઈઝરાયેલ જેવા વિદેશી લોકો નો જમાવડો અહીં ખૂબ જ જોવા મળે છે.
બીજી વાત પ્રમાણે મલાણા ના લોકો પોતાને સિકંદરની સેનાના ધ ગ્રેટ એલેક્ઝાન્ડરના વંશજો ગણાવે છે ઇસ. પૂર્વે 323 થી 336 માં દુનિયા જીતવા ની મહત્વકાંક્ષા ધરાવતો સિકંદર એ તુર્કી, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન જેવા પ્રદેશો જીવતા જીવતા સિંધુ નદીના પટ દ્વારા ભારત પ્રદેશમાં પ્રવેશ કરેલો પરંતુ ચોમાસા જેવી સીઝનમાં તેના સૈનિક પહેલી વખત આ વિસ્તારનો સામનો કરતો હોવાથી આ સેના બીમારી અને ચોમાસાને કારણે ભાંગી પડી હતી અને અહીંથી સિકંદર પરત પોતાના દેશ તરફ જવા રવાના થયો હતો. વર્ષોથી યુદ્ધ કરીને થાકેલી સેનાના અમુક સૈનિકો પોતાના દેશ તરફ ન જતા ભારતમાં જ રહી ગયા હતા જે હિમાલયના આવા ગામડાઓમાં ઠરી ઠામ થયેલા હતા. અને તેની નસલ પેદા થઈ તેના વંશજો આજે હિમાલયના અમુક અમુક સ્થળો પર જોવા મળે છે. જેમાંનું એક સ્થળ મલાણા પણ ગણવામાં આવે છે. મલાણામાં મેસીડોનીયન કલાકૃતિઓ તથા તલવાર મળી આવેલ હતી જે તેનો પુરાવો રજૂ કરે છે.
વૈજ્ઞાનિક રીતે સિદ્ધાંતિક મેળવવા માટે અહીંના લોકોના લગભગ 50 જેટલા પુરુષોના DNA પરીક્ષણ પણ કરવામાં આવેલું હતું જેમાં પણ ખરાઈ કરવામાં આવેલી હતી તેના રંગસૂત્ર હાલ ગ્રીસ પ્રદેશના લોકોના રંગસૂત્ર જેવા જ મળતા આવેલા હતા એટલે કે મલાણાના લોકોને મેસીડોનિયન સૈનિકોના આર્યન વંશજો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત અહીંના લોકો કનાશી ભાષા બોલે છે જેના મૂળિયા ગ્રીક ભાષામાં જોવા મળે છે આ ભાષા મલાણા સિવાય અન્ય કોઈપણ જગ્યા પર ભારતમાં બોલવામાં આવતી નથી.
જૂની માનસિકતા પ્રમાણે ત્યાંના લોકો પોતાના દીકરા દીકરીને બહાર ભણવા કે નોકરી અર્થે ગામની બહાર મોકલતા ન હતા પરંતુ હાલ ત્યાં ની નવી પેઢી આવી જુનવાણી માનસિકતાઓમાં થી બહાર આવતી જાય છે તેના અમુક જુનવાણી માનસિકતા ધરાવતા લોકો આવી પરંપરામાં માને છે હાલ નવી પેઢી બહારની દુનિયા સાથે જોડાતી થઈ છે. બહાર અભ્યાસ સાથે જવા પણ લાગ્યા છે અન્ય સ્થળે પણ નોકરી કરવા પણ હાલ મલાણા લોકો જતા જોવા મળે છે.
મલાણા ગામની મુલાકાત લેવા માટે હિમાચલના કુલ્લુ જિલ્લાના ભૂંતર થી જરી સુધી રસ્તો જાય છે . ત્યાંથી જરીથી ટેક્સી દ્વારા અથવા બાઇક દ્વારા મલાણા ગેટ સુધી રોડ છે . પરંતુ મલાણા ગેટ થી કોઈ સડક નથી એટલે કે ટ્રેકિંગ કરીને ગામમાં જવું પડે છે લગભગ ચારથી પાંચ કિલોમીટર જેટલો ટ્રેક કરીને ગામની મુલાકાત લઈ શકાય છે. ટ્રેકિંગના શોખીન હોય તેવા લોકોને આ સફરમાં ખૂબ જ મજા આવે છે જીવનમાં એકવાર આ ગામની મુલાકાત લેવા જેવી છે.
==============================================