લેબલ હિમાચલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હિમાચલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુમગા ટ્રેક, હિમાચલ પ્રદેશ

શુમગા ટ્રેક, હિમાચલ પ્રદેશ

------------------------------------------------------------

  • ટ્રેકનો સમય : ૬ દિવસ

  • ટ્રેકનો ખર્ચ : ₹૧૨,૦૦૦-૧૫,૦૦૦ (અંદાજિત)

  • સારો સમય : આખું વર્ષ

  • ટ્રેકની શરૂઆત : મંડી, હિમાચલ પ્રદેશ

_____________________________________________

  • કેવી રીતે પહોંચવું?

રેલમાર્ગે: દિલ્લી અથવા ચંદીગઢ/ દિલ્લી અથવા ચંદીગઢ થી મંડી બસ/ટેક્સી દ્વારા

વિમાનમાર્ગે: દિલ્લી અને ત્યાં થી ભૂન્તર સુધીનું પ્લેન અને ત્યાંથી મંડી બસ/ટેક્સી દ્વારા

_____________________________________________

  • શુમગા ટ્રેકઃ પૂર્વભૂમિકા

હિમાચલ પ્રદેશની વેલી ઓફ ગોડ્સ કહેવાતી કુલ્લૂ ખીણમાં અત્યંત રમણીય ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક આવેલો છે. શુમગા ટ્રેકનો સમાવેશ તે પાર્કમાં થાય છે. સમુદ્રસપાટીથી ૩,૮૧૦ મીટર/ ૧૨,૫૦૦ ફીટ ઊંચું શુમગા શિખર સાંઈજ/ Sainj અને તિર્થન વેલી વચ્ચે છે. અહીં સુધીના ટ્રેક દરમ્યાન દેવદાર, ચીડ અને બુરાંશનાં જંગલો, વિવિધ પ્રકારનાં પક્ષીઓ, નાનકડાં ગામો તેમજ પ્રાચીન મંદિરો જોવા મળે છે. હિમાલયની કિન્નોર, સ્પીતિ અને પીરપાંજાલ શ્રૃંખલા તો ખરી જ! શુમગા ટ્રેક બારમાસી છે. ઋતુ પ્રમાણે આ પ્રદેશનું સૌંદર્ય બદલાય છે. ઉનાળામાં સર્વત્ર લીલોતરી હોય, તો જાન્યુઆરીના અંતથી માર્ચ સુબળા શિયાળામાં સમગ્ર પ્રદેશ બરફથી છવાયેલો રહે છે.

__________________________________________________________________

  • દિવસ 01 - મંડી થી શંગઢ

મંડીથી શંગઢની ચારેક કલાકની મોટર સફરમાં હિમાચલ પ્રદેશનું કુદરતી સૌંદર્ય ઉપરાંત ૧૯૭૭માં બાંધવામાં આવેલો પંડોહ ડેમ અને હાઇડ્રોલિક પાવર સ્ટેશન, હનોગી (સરસ્વતી) માતાનું મંદિર જોવા મળશે. મંદિર પાસે થોડું રોકાણ કરી મંડી-ઓટ ટનલના માર્ગે સફર ચાલુ રહેશે. શંગઢ ગામ પહોંચ્યા પછી પગપાળા લટાર, સ્થાનિકો સાથે વાર્તાલાપ તેમજ પ્રાચીન મંદિરની મુલાકાત જેવી પ્રવૃત્તિમાં સમય પસાર કરી શકાય.

મોટરપ્રવાસનું અંતરઃ આશરે ૩-૪ કલાક/ ૭૦ કિ.મી.

રાત્રિરોકાણ: શંગઢ કેમ્પસાઇટ (૭,૨૦૦ ફીટ)

__________________________________________________________

  • દિવસ 02- શંગઢથી લાપઃ કેમ્પ

શંગઢથી લાપ: સુધીની યાત્રા ચીડ વૃક્ષોનાં ગાઢ જંગલમાં લગભગ સમાંતર કહી શકાય તેવી કેડી પર થશે. થોડું અંતર પસાર કરી બરશનગઢ ગામ સુધી પહોંચાશે. અહીંથી થોડા કિલોમીટરનો માર્ગ પ્રમાણમાં સહેલો છે, પણ ત્યાર બાદ ઊંચાઈ મેળવવા માટે સતત બે-ત્રણ કિલોમીટરનો રસ્તો તીવ્ર આરોહણનો છે. લાપઃ કેમ્પસાઇટથી દેખાતાં હિમાલયનાં દૃશ્યો જોવામાં કલાકો સુધી તલ્લીન બની જવાય એટલાં તે સુંદર છે. નસીબ સાથ આપે તો આ વિસ્તારમાં કાળા હરણ, ગોરલ, કસ્તુરી હરણ પણ દેખાતા હોય છે. આકાશ ચોખ્ખું હોય તો આકાશદર્શનનો લહાવો લઈ શકાય.

ટ્રેકની સમય/અંતર: ૬-૮ કલાક, ૯ કિલોમીટર

કેમ્પસાઇટ: લાપઃ કેમ્પસાઇટ (૮,૫૦૦ ફીટ)

______________________________________________________________

  • દિવસ 03- લાપ:થી સારા તળાવ

ત્રીજા દિવસના ટ્રેકમાં સારું એવું આરોહણ કરવાનું આવે છે. સવારનો નાસ્તો પતાવ્યા બાદ જંગલ તરફ જતી કેડી પર જેમ જેમ ઉપર ચઢતા જાવ તેમ વનસ્પતિના પ્રકારોમાં ફેરફાર દેખાય છે. ઊંચા વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય અને બુરાંશ જેવા નીચી કાઠીની વનસ્પતિઓ વધુ જોવા મળે.

માર્ચ-એપ્રિલમાં ટ્રેક કરતા હો તો બુરાંશનાં ગુલાબી ફૂલો નજરને ઠંડક આપે. રાયલા ગામ વટાવ્યા પછી નજીકમાં જ સારા તળાવ આવેલું છે. અહીંથી હિમાલયના પર્વતોના સુંદર નજારા માણવા અને અમુક પળો કેમેરામાં પણ કેદ કરી લેવી. તળાવ નજીકની કેમ્પસાઇટે પહોંચ્યા બાદ આરામ.

ટ્રેકની સમય/અંતરઃ ૫-૬ કલાક, ૭ કિલોમીટર

કેમ્પસાઇટ: સારા તળાવ (૧૦,૫૦૦ ફીટ)

_____________________________________________________

  • દિવસ 04- સારા તળાવ-શુમગા થાય-સારા તળાવ

સવારનો નાસ્તો પતાવ્યા બાદ સામાન્ય આરોહણવાળો માર્ગ ખુલ્લાં વિશાળ મેદાનો તરફ દોરી જશે. શુમગાના વિશાળ ઘાસિયા મેદાનો (સ્થાનિક ભાષામાં થાય) શિયાળામાં હિમની સફેદ ચાદર ઓઢી લે છે. મેદાનોમાં મોનાલ, વનમોર, ખડમોર વગેરે જેવાં પક્ષીઓ જોવા મળી જતા હોય છે. શુમગા શિખર પર જોગણી દેવીનું નાનકડું મંદિર છે, જેની આસપાસ લહેરાતી ધજાપતાકા અલૌકિક દૃશ્ય ઊભું કરે છે. શિખર પરથી સાંઈજ અને તિર્થન વેલીના મનોહર પેનોરામિક વ્યૂ, હિમાલયનાં શિખરો, કુલ્લૂ ખીણમાં વહેતી બિયાસ નદી વગેરે માણ્યા પછી વળતો પ્રવાસ શરૂ.

ટ્રેકની સમય/અંતર: ૬-૭ કલાક, ૮ કિલોમીટર

કેમ્પસાઇટ: સારા તળાવ (૧૦,૫૦૦ ફીટ)

________________________________________________

  • દિવસ-5: સારા તળાવથી નિહરી રોડ

રિર્ટન ટ્રેકનો માર્ગ સૌથી લાંબો અને સતત અવરોહણવાળો રહેશે. સારા તળાવથી લાપઃ ખાતે ડાયવર્ઝન સુધી ઉતરાણ કર્યા બાદ નિહરી રોડનો માર્ગ લેવો. નિહરી પહોંચ્યા બાદ આરામ. ટ્રેકનો છેલ્લો દિવસ સાથીઓ સાથે પ્રવાસના પ્રસંગો વાગોળતા પસાર કરી શકાય.

ટ્રેકની સમય/અંતર: આશરે ૮-૯ કલાક, ૧૨ કિ.મી.

કેમ્પસાઇટઃ નિહરી રોડ (૫,૫૦૦ ફીટ)

_____________________________________________________

  • દિવસ-6: નિહરી રોડથી મંડી

વહેલી સવારે વાહન દ્વારા નિહરી રોડથી નીકળ્યા પછી મંડી સુધીનો ૮૦ કિલોમીટરનો પ્રવાસ કરવામાં ૩થી ૪ કલાક લાગશે. બપોર સુધીમાં મંડી પહોંચી જવાય, એટલે મોડી સાંજે કે રાત્રે બસ/ટેક્સીમાં દિલ્લી/ ચંદીગઢ માટે નીકળી શકાય.

મોટરપ્રવાસનું અવધિ/અંતરઃ આશરે ૩-૪ કલાક, ૮૦ કિ.મી.
➖➖➖➖➖➖➖➖➖
ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો...
  • ઘૂંટી/ ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ,
  • પગમોજાં (ચારથી પાંચ જોડી),
  • ગૉગલ્સ, હાથમોજાં,
  • ટ્રેક પૅન્ટ, ટોપી,
  • વુલન કૅપ,
  • ફલીસ જૅકેટ અથવા સ્વેટર,
  • વૉટરપ્રૂફ જૅકેટ,
  • ટૉવેલ,
  • હાથરૂમાલ,
  • રેઇનકોટ,
  • સનસ્ક્રીન (50 SPF),
  • ટોઇલેટ પેપર,
  • સેનિટાઇઝર,
  • ડિઓડરન્ટ,
  • સાબુ,
  • કોલ્ડ ક્રીમ.
  • પાવર બૅન્ક,
  • કૅમેરા,
  • બૅટરી
  • ચાર્જર,
  • એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ,
  • ટૉર્ચ/હેડ લૅમ્પ,
  • માચીસ અથવા લાઇટર,
  • સ્વિસ નાઇફ,
  • વોટરબૉટલ,
  • સૂકો મેવો, ચીકી, ચૉકલેટ્સ.

  • આધાર કાર્ડ, જરૂરી દવાઓ, ઍલર્જી/બ્લડ ગ્રૂપ

  • અંગેની વિગતો, ઈમર્જન્સી ફોન નંબર્સ.


=============================================

મનાલી- હિમાચલ

 


આવો ઉનાળાની ગરમીઓમાં એક ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન ની મુલાકાત લઈએ નામ છે મનાલી ...

જે પોતાની પ્રાકૃતિક સુંદરતાઓ અને હિમાલયના ઉંચા પહાડો વચ્ચે ઘેરાયેલ હિલ સ્ટેશન છે. જે ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા કુલ્લું જિલ્લામાં દરિયાની સપાટીથી 6726 ફૂટ ઊંચાઈ પર આવેલું છે આમ તો તે બિયાસ નદીના કિનારે વસેલ હિલ સ્ટેશન ગણાવી શકાય છે.

મનાલીમાં ફરવા જેવા મુખ્ય સ્થળો

1. રોતાંગ પાસ
મનાલી થી લગભગ 50 કિલોમીટર જેટલી દુર આવેલ તેની કુદરતી પ્રકૃતિ માટે જાણીતું એડવેન્ચર અને હિમથી ઘેરાયલ ભાગ રોકતાંગ પાસ છે અહીં આવતા પ્રવાસીઓ મોટે ભાગે મુલાકાત લે છે અહીં બારેમાસ બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે આમ જુઓ તો અડલ ટર્નલ પહેલા લેહ લદાખ તરફ જવા માટે ફરજિયાત રોકતાંગ પાસ કરીને જવું પડતું હતું. પરંતુ શિયાળામાં મોટેભાગે અહીં વધારે બરફ વર્ષા થતી હોવાથી તે શિયાળા દરમિયાન બંધ રહેતો હતો જેના નિવારણ રૂપે અટલ ટર્નલ બનતા રોતાંગ પાસ નો ઉપયોગ અત્યારે પર્યટન સ્થળ માટે વધારે કરવામાં આવે છે . જે દરિયાથી 13,54 ફૂટ ઊંચાઈ આવેલું છે.

2. સોલાગ વેલી
મનાલી થી લગભગ 14 કી.મી અંતરે આવેલ છે . આમ તો મનાલી બસ સ્ટેશન પાસે આવેલા ટેક્સી સ્ટેન્ડ પરથી સોલાંગ વેલી માટે ટેક્ષી મળી રહે છે અહીં શિયાળામાં સ્કિંગ થાય છે તે ઉપરાંત પેરાગેડિંગ અને જીપ લાઇન જેવી પ્રવૃત્તિઓ પણ અહીં કરવામાં આવે છે.

3. હડીમબા મંદિર
મનાલીના મુખ્ય બજાર થી બે થી ત્રણ કિમીના અંતરે આવેલું હડીમબા મંદિર ઈ. સ 1553 માં બનેલું હતું. મહાભારતના ભીમ ની પત્ની હડીમ્બા ને સમર્પિત આ મંદિર બનાવવામાં આવેલ છે. અહીંના લોકો હડીંબા માતાને ખૂબ જ ભાવથી માને છે અને તેની પૂજા અર્ચના કરે છે. મંદિર લાકડામાંથી નકશીદારી કોતરણી રીતે બનાવેલ છે .ડિઝાઇનમાં ગુજરાતી અને તિબેટી શૈલી થી બનાવેલ છે.

4. મનુ મંદિર
મનુ ઋષિને સમર્પિત આ મંદિર છે મનુ ઋષિના નામ પરથી મનાલી નામ પાડવામાં આવેલ છે. જેની ઊંચાઈ દરિયાથી 10,300 ફૂટ ઊંચાઈ પર આવેલ આ મંદિર છે. જે અહીંના સિરિકુલ્લા વિસ્તારમાં આવેલ છે. અહીંથી મનાલીનો ચારે બાજુનું દ્રશ્ય અને વાતાવરણ ખૂબ જ સુંદર રીતે માણી શકાય છે. અહીંના લોકો પવિત્ર તહેવારોમાં અહીં ભેગા થઈને પૂજા અર્ચના કરે છે.

5. વશિષ્ઠ મંદિર અને ગરમ પાણીના કુંડ
મનાલી થી લગભગ 10 થી 15 કિ.મી ના અંતરે વશિષ્ઠ ગામમાં વશિષ્ઠ ઋષિનું મંદિર આવેલું છે . જ્યાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે આ કુંડની વિશેષતા એવી છે કે અહીં ચામડીના રોગ અથવા બીમારી વાળા લોકો જો કુંડમાં સ્નાન કરે તો તેને ખૂબ જ સારો લાભ થાય છે. કુદરતી સૌંદર્યનો ખજાનો અને આસપાસનું વાતાવરણ અહીં ખૂબ જ મનમોહન દ્રશ્ય સર્જે છે.

6. ઓલ્ડ મનાલી
કાફે, રેસ્ટોરન્ટ અને યુરોપિયન શૈલીના ગેસ્ટ હાઉસ માટે પ્રસિદ્ધ છે.

7. જોગણી વોટરફોલ
મનાલી થી 10 કિલોમીટર અંતર દૂર આવેલ વશિષ્ઠ ગામ ની નજીક જોગણી વોટરફોલ આવેલ છે . પહાડો માંથી બરફના પાણી પીગળી ને ઊંચાઈ ઉપરથી આ વોટરફોલ નીચે તરફ આવે છે. આ વોટરફોલ એટલે વધારે મહત્વનો છે કે તે સાંસ્કૃતિક અને પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. અહીં સ્થાનિક લોકો માતા જોગણીના દર્શન કરવા પણ આવે છે. લગભગ એક થી દોઢ કિલોમીટર ટ્રેકિંગ કરી અને વોટરફોલ સુધી પહોંચી શકાય છે.

8. કુલ્લુ
ચંદીગઢ અથવા દિલ્હીથી જતા મનાલી થી પહેલા 40 કિલોમીટરના અંતરે બિયાસ નદી કિનારે કુલ્લુ શહેર આવેલું છે આ શહેર તેની હસ્તકલા અને પશ્ચિમ તથા કુલ્લુ શાલ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

આ ઉપરાંત બીજા સ્થળો
1. અંજની મહાદેવ
2. નગર શહેર અને કિલ્લો
3. અટલ ટનલ
4. કસોલ
5. મણીકરણ
6. બીજલી મહાદેવ
7. બારાછલ્લા
8. હમતા ગામ
9. ઘનકુંડી ઘાટી
10. સીસુ
11. ચંદ્રતાલ
12. જાના વોટરફોલ
13. તીર્થન વેલી
14. સેથાણ ગામ
15. બ્રિગુ લેક

કેવી રીતે પહોંચી શકાય
હવાઈ માર્ગે
દિલ્હી અથવા ચંદીગઢ થી ભુંતર સુધી
રેલવે માર્ગ
દિલ્હી અથવા ચંદીગઢ અને ત્યાંથી જોગિન્દર નગર

રસ્તા માર્ગ દ્વારા
દિલ્હી કે ચંદીગઢ કે સીમલા થી બસ દ્વારા

મનાલી નું અંતર
દિલ્હી થી 550 કિ.મી
ચંદીગઢ થી 310 કિ.મી
શીમલા થી 250 કિ.મી
જોગિન્દર નગર થી 160 કિ.મી
ભુંતર થી 50 કિ.મી

શ્રેષ્ઠ સમય
બરફ વર્ષા માટે શિયાળો ઓક્ટોબર થી ફેબ્રુઆરી

ઘાસ,હરિયાળી અને ઠંડક માટે ઉનાળો માર્ચથી જૂન
➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖


બીજલી મહાદેવ -હિમાચલ

 બીજલી મહાદેવ મંદિર – એક અજોડ ચમત્કારિક ધામ


નમસ્કાર મિત્રો 

               હિમાલયની સફરમાં નવી એક હિમાલયની વાત લઈને આવ્યો છું જે મને હદયથી ખૂબ જ ગમેલું સ્થળ છે આજે તેની મારે વાત કરવાની છે અને જો જીવનમાં ચાન્સ મળે તો જરૂરી એક વાર એને મુલાકાત લેજો. જ્યાં દર 12 વર્ષમાં શિવલિંગ પર વીજળી પડે છે અને ફરી શિવલિંગને સ્થાપિત કરવામાં આવે છે તેવું મહાદેવનું મંદિર એટલે બીજલી મહાદેવનું મંદિર. લાસ્ટ માં વિડીયો જોવાનું ભૂલસો નહીં 

----------------------------------------------------------------------------------------------------------------------------

પરિચય:
હિમાલયની સુંદરતા અને પૌરાણિક મહત્વ ધરાવતા બીજલી મહાદેવ મંદિરે દર 12 વર્ષે થતો એક અજોડ ચમત્કાર આકર્ષણનું મુખ્ય કારણ છે. 8,100 ફૂટની ઉંચાઈએ હિમાચલ પ્રદેશના કુલ્લુથી 24 કિ.મી દૂર સ્થિત આ મંદિર એક પૌરાણિક અને આસ્થા ભરેલું સ્થળ છે.


પૂરાણિક કથા:

કહેવાય છે કે અહીં કુલાંત નામના રાક્ષસ રહેતો હતો, જે બિયાસ નદીનું પાણી રોકી કુલ્લુ પ્રદેશને ડૂબાડવા માગતો હતો. ત્યારે ભગવાન શંકરે ત્રિશૂલ વડે તેનો સંહાર કર્યો. તેમનો આત્મા વીજળી સ્વરૂપે આકાશમાં ઉડી ગયો અને અહીં પૃથ્વી પર પડ્યો. તેથી આ સ્થળને બીજલી મહાદેવ નામ આપવામાં આવ્યું.


વિશિષ્ટતા:


દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે, જેના કારણે તે ટુકડા થઈ જાય છે. પરંતુ આ શિવલિંગને ઘી અને માટીથી જોડવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ ચમત્કાર માટે કહેવાય છે કે વીજળી માત્ર શિવલિંગ પર જ પડે છે, મંદિરના અન્ય ભાગો પર નહીં!


મંદિરની રચના અને આકર્ષણ:

  • મંદિર લાકડાથી બનાવાયેલું છે, જેમાં હિમાચલની કોતરણી કલા જોવા મળે છે.

  • અહીં મોટો ત્રિશૂલ (ધ્વજ સ્તંભ) છે, જ્યાં શ્રદ્ધાળુઓ દોરા-ધાગા બાંધી માનતા રાખે છે.

  • અહીંથી પાર્વતી ઘાટી, હિમાલયની પહાડીઓ, બિયાસ નદી અને કુલ્લુ શહેર દૃશ્યમાન થાય છે.


તહેવારો અને ખાસ કાર્યક્રમો:

  • મહાશિવરાત્રી: હજારો ભક્તો શિવ પૂજા માટે ભેગા થાય છે.

  • શ્રાવણ મહિનો: શિવલિંગ પર રુદ્રાભિષેક અને ભજન-કીર્તનનું આયોજન થાય છે.

  • વીજળી પડ્યા પછી: નવા શિવલિંગની સ્થાપના સમયે મેળાનું આયોજન કરવામાં આવે છે.


જવાની શ્રેષ્ઠ સીઝન:

  • મે થી જૂન અને સપ્ટેમ્બર થી નવેમ્બર - શ્રેષ્ઠ વાતાવરણ!

  • ડિસેમ્બર થી ફેબ્રુઆરી - ભારે હિમવર્ષા, ટ્રેક માટે મુશ્કેલ સમય.


કઈ રીતે પહોંચી શકાય?

  • કુલ્લુ થી ચાંશારી ગામ સુધી ટેક્સી ઉપલબ્ધ છે.

  • ત્યાંથી 3-4 કિ.મી. ટ્રેકિંગ દ્વારા મંદિર પહોંચી શકાય.


આસપાસના દર્શનીય સ્થળો:

  1. કુલ્લુ માર્કેટ

  2. મનાલી

  3. મણિકરણ સાહેબ

  4. અટલ ટનલ

  5. રોતાંગ પાસ

  6. સોલાંગ વેલી

  7. શિશુ

  8. પાર્વતી વેલી


વિશેષ માહિતી માટે:
વધુ માહિતી માટે નીચેના નંબર પર WhatsApp કરો:
📞 8160003720


આ સુંદર અને આસ્થાપૂર્ણ સ્થળની સફર અવશ્ય કરો! હર હર મહાદેવ!







મલાણા ગામ- હિમાચલ

                                 


હિમાલયને જેટલી વાર જુઓ એટલી વાર અનોખા અંદાજમાં જોવા મળે છે. હા દરેક વખતે નજારો અલગ જોવા મળે છે 2400 કિલોમીટર લાંબો અને 400 km પહોળો એવા હિમાલયની ગોદમાં અનેક અજાયબીઓ છુપાયેલ છે. આકાશને પૂછતા પર્વતો અને મેદાનો પર પહોંચવા મથતી નદીઓ અને તેના વાતાવરણની આબોહવા શુદ્ધ અને અલૌકિક શાંતિ આપે છે.

મેં હિમાલયનો પ્રવાસ ઘણી વખત કર્યો છે. દરેક વખતે નવી જગ્યા અને તેના રહસ્યને શોધવા પ્રયત્ન કરું છું. એકલા સફર ની મોજ માં રખડતો રહું છું એટલે કે હું અને હિમાલય બંને એકબીજા સાથે મુક્ત વાતો કરી શકીએ. હિમાલયના ગામડાઓ અને તે ગામડાઓમાં રહેતા વિવિધ પરંપરા ઉજવાતા લોકો સાથે રહેવાનો એક અલગ જ આનંદ હોય છે. તેની રીતભાત અને ખાણીપીણી પણ અલગ હોય છે બસ શુદ્ધ શાકાહારીનું ધ્યાનમાં રાખીને ખાણી પીની તે લોકોની અપનાવતો હોઉં છું. મને દરેક વખતે હિમાલયએ અલગ અનુભવ કરાવ્યો છે. દરેક પ્રવાસ મારો જ્ઞાનથી ભરપૂર હોય છે. હા સમય ઓછો મળતો હોવાથી લખવાનો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે એક સફરનો અનુભવ લખતો હોઉં છું.


આજે વાત છે પાર્વતી વેલીમાં વસેલા ગામ મલાણા ની .......જે તેના ભૌગોલિક સ્થાન માટે જાણીતું છે પણ સાથે સાથે તેની સાંસ્કૃતિક પરંપરા અને ત્યાંના અલગ કાયદા કાનૂન માટે પણ જાણીતું છે.મલાણા ગામ ભારતના હિમાચલ પ્રદેશનો એક અપવાદ ગામ પણ ગણી શકાય છે આ ગામના લોકો ભારતીય પરંપરાથી પોતાને જુદા ગણાવે છે. તેને ભારતીય સાથે ખૂબ ઓછી લેવાદેવા છે એવું કહી શકાય છે. તે ગામની મુલાકાત લો ત્યારે આ વાતનો અંદાજ તમને આવી જાય છે.

ચારે બાજુ પહાડો થી ઘેરાયેલા આ ગામ મોટાભાગના ભારતીયોથી અજાણ ગામ છે ગામની હકીકત સાંભળતા તમને વિચાર આવશે કે શું આવું ગામ ભારતમાં આવેલ હશે ?..... ચંદ્રખાની ટ્રેક કરતાં ગામની મુલાકાત મે લીધી હતી. આ ગામના કાયદાઓ અલગ છે અહીંના લોકોનો તોછડો સ્વભાવ પણ અલગ પ્રકારનો છે.


દરિયાની સપાટીથી લગભગ 9000 ફૂટ ઊંચાઈ પર આવેલ મલાણા ગામ ......આ ગામના લોકો પોતાને શુદ્ધ આર્યન જાતિના લોકો માને છે જ્યારે અન્ય ભારતીઓને તે શુદ્ધ આર્યન માનતા નથી. એટલે કે અન્ય ભારતીઓને નીચી નજરે જુએ છે. અહીં ગામમાં તમે કોઈ વ્યક્તિને સ્પર્શ કે હાથ મિલાવો જેવો વ્યવહાર પણ કરી ન શકાય કે તેના રહેણાંક મકાનોને પણ અડવાની મનાઈ છે અથવા અંદર જવાની મનાઈ હોય છે ગામમાં જમલું દેવતાનું મંદિર છે જે તમને દૂરથી દર્શન કરી શકો છો મંદિરમાં અન્ય ભારતીય એટલે કે ગામ સિવાયના લોકોને પ્રવેશ બંધી છે. મતલબ એવો કે કોઈને સ્પર્શ કરો કે કોઈના મકાનની અંદર પ્રવેશ કરો તો ત્યાં અપરાધ માનવામાં આવે છે અને આ અપરાધ બદલ 2500 થી ₹3,000 નો દંડ તેની ગામ પંચાયત વસૂલ કરે છે.


હા ગામમાં થી કોઈ વસ્તુની ખરીદી કરો તો ગામના લોકો પૈસા કે રૂપિયાને હાથો હાથ લેતા નથી તેની માટે લાકડા અથવા લોખંડ માંથી બનાવેલા ચીપિયા થી રકમ લેતા હોય છે. અહીં કાયદા વિચિત્ર પ્રકારના છે અહીં ભારતીય કાયદાઓને લાગુ પાડવામાં આવતા નથી કે તે લોકો તેને માન્ય ગણતા નથી તેના પોતાના કાયદાઓને જ માન્ય ગણે છે તેઓ ભારતીય તરીકે સમજવામાં પણ શોભ અનુભવે છે. અહીં ન્યાય આપવા માટે ગામમાં જ નીચલી અને ઉપલી એમ બે કોર્ટ આવેલી છે ન્યાયનો ચુકાદો આપવા માટે જમલુ દેવતાના નામના ન્યાયાધીશનો ઉપયોગ કરવામાં આવે છે.


અહીં ગાંજા ની ખુલ્લે આમ ખેતી કરવામાં આવે છે અને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે.જેમાં ભારતીય કાયદા કાનૂન કોઈ રોકટોક કરી શકતી નથી. અહીં મોટેભાગે ગાંજા ચરસના શોખીન લોકો આસપાસના વિસ્તારોમાં રહે છે તે ઉપરાંત ઈઝરાયેલ જેવા વિદેશી લોકો નો જમાવડો અહીં ખૂબ જ જોવા મળે છે.

બીજી વાત પ્રમાણે મલાણા ના લોકો પોતાને સિકંદરની સેનાના ધ ગ્રેટ એલેક્ઝાન્ડરના વંશજો ગણાવે છે ઇસ. પૂર્વે 323 થી 336 માં દુનિયા જીતવા ની મહત્વકાંક્ષા ધરાવતો સિકંદર એ તુર્કી, ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન જેવા પ્રદેશો જીવતા જીવતા સિંધુ નદીના પટ દ્વારા ભારત પ્રદેશમાં પ્રવેશ કરેલો પરંતુ ચોમાસા જેવી સીઝનમાં તેના સૈનિક પહેલી વખત આ વિસ્તારનો સામનો કરતો હોવાથી આ સેના બીમારી અને ચોમાસાને કારણે ભાંગી પડી હતી અને અહીંથી સિકંદર પરત પોતાના દેશ તરફ જવા રવાના થયો હતો. વર્ષોથી યુદ્ધ કરીને થાકેલી સેનાના અમુક સૈનિકો પોતાના દેશ તરફ ન જતા ભારતમાં જ રહી ગયા હતા જે હિમાલયના આવા ગામડાઓમાં ઠરી ઠામ થયેલા હતા. અને તેની નસલ પેદા થઈ તેના વંશજો આજે હિમાલયના અમુક અમુક સ્થળો પર જોવા મળે છે. જેમાંનું એક સ્થળ મલાણા પણ ગણવામાં આવે છે. મલાણામાં મેસીડોનીયન કલાકૃતિઓ તથા તલવાર મળી આવેલ હતી જે તેનો પુરાવો રજૂ કરે છે.


વૈજ્ઞાનિક રીતે સિદ્ધાંતિક મેળવવા માટે અહીંના લોકોના લગભગ 50 જેટલા પુરુષોના DNA પરીક્ષણ પણ કરવામાં આવેલું હતું જેમાં પણ ખરાઈ કરવામાં આવેલી હતી તેના રંગસૂત્ર હાલ ગ્રીસ પ્રદેશના લોકોના રંગસૂત્ર જેવા જ મળતા આવેલા હતા એટલે કે મલાણાના લોકોને મેસીડોનિયન સૈનિકોના આર્યન વંશજો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત અહીંના લોકો કનાશી ભાષા બોલે છે જેના મૂળિયા ગ્રીક ભાષામાં જોવા મળે છે આ ભાષા મલાણા સિવાય અન્ય કોઈપણ જગ્યા પર ભારતમાં બોલવામાં આવતી નથી.

જૂની માનસિકતા પ્રમાણે ત્યાંના લોકો પોતાના દીકરા દીકરીને બહાર ભણવા કે નોકરી અર્થે ગામની બહાર મોકલતા ન હતા પરંતુ હાલ ત્યાં ની નવી પેઢી આવી જુનવાણી માનસિકતાઓમાં થી બહાર આવતી જાય છે તેના અમુક જુનવાણી માનસિકતા ધરાવતા લોકો આવી પરંપરામાં માને છે હાલ નવી પેઢી બહારની દુનિયા સાથે જોડાતી થઈ છે. બહાર અભ્યાસ સાથે જવા પણ લાગ્યા છે અન્ય સ્થળે પણ નોકરી કરવા પણ હાલ મલાણા લોકો જતા જોવા મળે છે.


મલાણા ગામની મુલાકાત લેવા માટે હિમાચલના કુલ્લુ જિલ્લાના ભૂંતર થી જરી સુધી રસ્તો જાય છે . ત્યાંથી જરીથી ટેક્સી દ્વારા અથવા બાઇક દ્વારા મલાણા ગેટ સુધી રોડ છે . પરંતુ મલાણા ગેટ થી કોઈ સડક નથી એટલે કે ટ્રેકિંગ કરીને ગામમાં જવું પડે છે લગભગ ચારથી પાંચ કિલોમીટર જેટલો ટ્રેક કરીને ગામની મુલાકાત લઈ શકાય છે. ટ્રેકિંગના શોખીન હોય તેવા લોકોને આ સફરમાં ખૂબ જ મજા આવે છે જીવનમાં એકવાર આ ગામની મુલાકાત લેવા જેવી છે.
==============================================


હામટા પાસ ટ્રેક , હિમાચલ પ્રદેશ

હામટા પાસ , હિમાચલ પ્રદેશ


  ( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )

ટ્રેકનો સમય : ૪/5 દિવસ

ટ્રેકનો ખર્ચ : 9000 થી 10000 રૂ.( અંદાજિત )
આદર્શ સમય : ચોમાસા સિવાયના મહિના
ટ્રેકનું આરંભસ્થળ : મનાલી , હિમાચલ પ્રદેશ
કેવી રીતે પહોંચવું ?
વિમાનમાર્ગે દિલ્લી / ચંદીગઢ / ભુન્તર પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા મનાલી .
રેલ મારફત દિલ્લી / ચંદીગઢ પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા મનાલી .
                                              
                                                                   
હામટા પાસ ;- પૂર્વભૂમિકા
હિમાલયના પર્વતો , લીલાંછમ ઘાસનાં મેદાનો , રંગબેરંગી ફૂલો , ઝરણાં , હિમસરિતા , ખીણપ્રદેશ ... આ છે હિમાચલ પ્રદેશના હામટા પાસનું વૈવિધ્ય . કુલ્લૂ ખીણના સૌથી પ્રખ્યાત ટ્રેકમાં હામટા પાસનો સમાવેશ થાય છે . ચોમાસાના સમય દરમ્યાન અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય છે . ચારેય તરફ અનેક પ્રકારનાં ફૂલો જોવા મળે છે , એટલે હામટાનો ખીણપ્રદેશ કુલ્લૂની વેલી ઓફ ફ્લાવર તરીકે પણ પ્રખ્યાત છે . હામટા ઘાટનો કુલ્લૂ ખીણ તરફનો વિસ્તાર અત્યંત લીલોછમ છે , જ્યારે સ્પીતિ તરફનો વિસ્તાર એકદમ સૂકો અને ઠંડો છે . આમ એક જ સ્થળેથી કુદરતના બે અલગ સ્વરૂપો જોવા મળે છે .


DAY - 1 : મનાલીથી ચિકા
સવારે મનાલીથી મોટરપ્રવાસ કરી જોબરી નાલા ડેમ સાઇટ પહોંચવું . જોબરી નાલાથી ટ્રેકની શરૂઆત થાય છે . આજના દિવસનો ટ્રેક પ્રમાણમાં ટૂંકો અને સરળ કહી શકાય તેવો છે . ઘાસનો મેદાની વિસ્તાર પસાર કરી ચિકા પહોંચ્યા બાદ ચા - નાસ્તો કરી નજીકમાં જ આવેલા ધોધ સુધી ચાલતા જવું , જેથી શરીર હિમાલયની ઊંચાઈ અને વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે .
ટ્રેકનો સમય :- મોટરમાર્ગે ૪૫ મિનિટ . આશરે થી ૩ કલાકનું ટ્રેકિંગ ,
કેમ્પસાઇટ : ચિકા ( 9,900 ફીટ )


DAY - 2 : ચિકાથી ભાલુઘેરા
આજના ટ્રેકમાં શરૂઆતનો ચઢાણવાળો ટ્રેક પસાર કરી ત્યાર બાદ વહેતા નાળાને પસાર કરવાનું છે . આથી સેન્ડલ / સ્લિપરની જોડી સાથે રાખવી . નાળું પસાર કર્યા પછી નદીની સાથે આગળ વધતા ટ્રેકમાં સુંદર નાના પહાડી ફૂલોવાળો વિસ્તાર , પથ્થરોનો ચઢાણવાળો વિસ્તાર પાર કરીને ભાલુઘેરા કેમ્પ સાઇટ પહોંચાશે . નદીની નાની ધારાઓ અને ત્રણ બાજુ ઊંચા પહાડોની વચ્ચે આવેલા ભાલુઘેરમાં સાંજ ઢળ્યે ઠંડીનું પ્રમાણ વધે છે .
ટ્રેકનો સમય : ૩-૪ કલાકનું ટ્રેકિંગ .
કેમ્પસાઇટઃ ભાલુઘેરા ( 11,800 ફીટ )



DAY - 3 : ભાલુઘેરા - હામટા પાસ -
ભાલુઘેરા આજે હામટા પાસ પહોંચવાનું અને ત્યાંથી પરત આવવાનું હોવાથી ટ્રેક વહેલી સવારે ૬:૦૦ વાગ્યે શરૂ કરવો જરૂરી છે . ઘણોખરો અથવા સંપૂર્ણ ટ્રેક બરફમાં કરવાનો થઈ શકે છે . ટ્રેક શરૂ કર્યા પછી હામટા ઘાટનું ચઢાણ ક્રમશઃ તીવ્ર થતું જશે . બે તબક્કામાં ચઢાણ પૂરું કરીને ચારથી પાંચ કલાક બાદ ૧૪,૦૦૦ ફીટની ઊંચાઈએ હામટા ઘાટ પહોંચાશે . અહીંથી દેખાતા ઈંદ્રાસન અને દેવતિબ્બા શિખરો તેમજ લાહૌલ તથા સ્પીતિ ખીણોનો અદ્ભુત નજારો મન અને શરીરને તાજગી આપે તેવો છે . પહાડોમાં વાતાવરણ ગમે ત્યારે બગડી જતું હોય છે , એટલે હામટા પર પંદર - વીસ મિનિટનું રોકાણ કર્યા પછી વળતો પ્રવાસ શરૂ કરી દેવો પડે છે . આ સમયગાળા દરમ્યાન યાદગીરી માટે ફોટો લઈ લેવા . ઘાટથી કેટલાક ફીટ નીચે ઊતરી આવ્યા પછી બપોરનું પેક્ડ લંચ આરોગી , થોડોક આરામ કરી વળી પાછા ભાલુઘેરા કેમ્પ સાઇટ પહોંચવું .
ટ્રેકનો સમય: ૭-૮ કલાક
કેમ્પસાઇટ : ભાલુઘેરા ( 11,800 ફીટ )

DAY - 4 : ભાલુઘેરા - ચિકા -
મનાલી ભાલુઘેરાથી વાયા ચિકા થઈને ટ્રેક કરી જોબરી નાલા પહોંચવાનું અને ત્યાંથી ટેક્સીમાં બેસી મનાલી ,


                                           ચંદ્ર તાલ તળાવ 
ચંદ્રતાલની મુલાકાત કાં તો દિવસ 4 અથવા 5મા દિવસે લઇ શકાય છે . ચંદ્રતાલ તળાવ (જે ચંદ્ર તળાવ તરીકે ઓળખાય છે) સુધી જઈ શકો છો. તળાવનો સંપૂર્ણ વાદળી રંગ આસપાસના વાતાવરણમાં અદ્ભુત અસર કરે છે. ચત્રુ કેમ્પ સાઇટથી ચંદ્રતાલ તળાવ 45 કિમી દૂર છે. જો રસ્તા અને હવામાનની સ્થિતિ સારી હોય અને પરવાનગી મળે તેમ હોય તો જઈ શકાય છે. ઉનાળાના મહિનાઓમાં જ ચંદ્રતાલની મુલાકાત લઈ શકો છો. નહીં, તો તમારે ચત્રુથી મનાલી સુધી સીધું વાહન માં આવી જવું પડે છે



ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો ...
ઘૂંટી / ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ ,
પગમોજાં ( ચારથી પાંચ જોડી ) ,
ગોગલ્સ , હાથમોજાં , ટ્રેક પૅન્ટ ,
ટોપી , વુલન કેંપ , ફ્લીસ જૅકેટ અથવા સ્વેટર , વૉટરપ્રૂફ જૅકેટ ,
ટૉવેલ , હાથરૂમાલ , રેઇનકોટ , સનસ્ક્રીન ( 50 SPF ) ,
ટોઇલેટ પેપર , સેનિટાઇઝર , ડિઓડરન્ટ , સાબુ , કોલ્ડ ક્રીમ .
પાવર બૅન્ક , કેમેરા , બૅટરી ચાર્જર , એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ ,
ટૉર્ચ હેડ લૅમ્પ , માચીસ અથવા લાઇટર , સ્વિસ નાઇફ ,
વોટર બૉટલ , સૂકો મેવો , ચીકી , ચોકલેટ્સ .
આધાર કાર્ડ , જરૂરી દવાઓ , એલજી બ્લડ ગ્રૂપ અંગેની વિગતો ,
ઇમર્જન્સી ફોન નંબર
અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇

 
   







આ જુવો એકવાર .....