શુમગા ટ્રેક, હિમાચલ પ્રદેશ

શુમગા ટ્રેક, હિમાચલ પ્રદેશ

------------------------------------------------------------

  • ટ્રેકનો સમય : ૬ દિવસ

  • ટ્રેકનો ખર્ચ : ₹૧૨,૦૦૦-૧૫,૦૦૦ (અંદાજિત)

  • સારો સમય : આખું વર્ષ

  • ટ્રેકની શરૂઆત : મંડી, હિમાચલ પ્રદેશ

_____________________________________________

  • કેવી રીતે પહોંચવું?

રેલમાર્ગે: દિલ્લી અથવા ચંદીગઢ/ દિલ્લી અથવા ચંદીગઢ થી મંડી બસ/ટેક્સી દ્વારા

વિમાનમાર્ગે: દિલ્લી અને ત્યાં થી ભૂન્તર સુધીનું પ્લેન અને ત્યાંથી મંડી બસ/ટેક્સી દ્વારા

_____________________________________________

  • શુમગા ટ્રેકઃ પૂર્વભૂમિકા

હિમાચલ પ્રદેશની વેલી ઓફ ગોડ્સ કહેવાતી કુલ્લૂ ખીણમાં અત્યંત રમણીય ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક આવેલો છે. શુમગા ટ્રેકનો સમાવેશ તે પાર્કમાં થાય છે. સમુદ્રસપાટીથી ૩,૮૧૦ મીટર/ ૧૨,૫૦૦ ફીટ ઊંચું શુમગા શિખર સાંઈજ/ Sainj અને તિર્થન વેલી વચ્ચે છે. અહીં સુધીના ટ્રેક દરમ્યાન દેવદાર, ચીડ અને બુરાંશનાં જંગલો, વિવિધ પ્રકારનાં પક્ષીઓ, નાનકડાં ગામો તેમજ પ્રાચીન મંદિરો જોવા મળે છે. હિમાલયની કિન્નોર, સ્પીતિ અને પીરપાંજાલ શ્રૃંખલા તો ખરી જ! શુમગા ટ્રેક બારમાસી છે. ઋતુ પ્રમાણે આ પ્રદેશનું સૌંદર્ય બદલાય છે. ઉનાળામાં સર્વત્ર લીલોતરી હોય, તો જાન્યુઆરીના અંતથી માર્ચ સુબળા શિયાળામાં સમગ્ર પ્રદેશ બરફથી છવાયેલો રહે છે.

__________________________________________________________________

  • દિવસ 01 - મંડી થી શંગઢ

મંડીથી શંગઢની ચારેક કલાકની મોટર સફરમાં હિમાચલ પ્રદેશનું કુદરતી સૌંદર્ય ઉપરાંત ૧૯૭૭માં બાંધવામાં આવેલો પંડોહ ડેમ અને હાઇડ્રોલિક પાવર સ્ટેશન, હનોગી (સરસ્વતી) માતાનું મંદિર જોવા મળશે. મંદિર પાસે થોડું રોકાણ કરી મંડી-ઓટ ટનલના માર્ગે સફર ચાલુ રહેશે. શંગઢ ગામ પહોંચ્યા પછી પગપાળા લટાર, સ્થાનિકો સાથે વાર્તાલાપ તેમજ પ્રાચીન મંદિરની મુલાકાત જેવી પ્રવૃત્તિમાં સમય પસાર કરી શકાય.

મોટરપ્રવાસનું અંતરઃ આશરે ૩-૪ કલાક/ ૭૦ કિ.મી.

રાત્રિરોકાણ: શંગઢ કેમ્પસાઇટ (૭,૨૦૦ ફીટ)

__________________________________________________________

  • દિવસ 02- શંગઢથી લાપઃ કેમ્પ

શંગઢથી લાપ: સુધીની યાત્રા ચીડ વૃક્ષોનાં ગાઢ જંગલમાં લગભગ સમાંતર કહી શકાય તેવી કેડી પર થશે. થોડું અંતર પસાર કરી બરશનગઢ ગામ સુધી પહોંચાશે. અહીંથી થોડા કિલોમીટરનો માર્ગ પ્રમાણમાં સહેલો છે, પણ ત્યાર બાદ ઊંચાઈ મેળવવા માટે સતત બે-ત્રણ કિલોમીટરનો રસ્તો તીવ્ર આરોહણનો છે. લાપઃ કેમ્પસાઇટથી દેખાતાં હિમાલયનાં દૃશ્યો જોવામાં કલાકો સુધી તલ્લીન બની જવાય એટલાં તે સુંદર છે. નસીબ સાથ આપે તો આ વિસ્તારમાં કાળા હરણ, ગોરલ, કસ્તુરી હરણ પણ દેખાતા હોય છે. આકાશ ચોખ્ખું હોય તો આકાશદર્શનનો લહાવો લઈ શકાય.

ટ્રેકની સમય/અંતર: ૬-૮ કલાક, ૯ કિલોમીટર

કેમ્પસાઇટ: લાપઃ કેમ્પસાઇટ (૮,૫૦૦ ફીટ)

______________________________________________________________

  • દિવસ 03- લાપ:થી સારા તળાવ

ત્રીજા દિવસના ટ્રેકમાં સારું એવું આરોહણ કરવાનું આવે છે. સવારનો નાસ્તો પતાવ્યા બાદ જંગલ તરફ જતી કેડી પર જેમ જેમ ઉપર ચઢતા જાવ તેમ વનસ્પતિના પ્રકારોમાં ફેરફાર દેખાય છે. ઊંચા વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય અને બુરાંશ જેવા નીચી કાઠીની વનસ્પતિઓ વધુ જોવા મળે.

માર્ચ-એપ્રિલમાં ટ્રેક કરતા હો તો બુરાંશનાં ગુલાબી ફૂલો નજરને ઠંડક આપે. રાયલા ગામ વટાવ્યા પછી નજીકમાં જ સારા તળાવ આવેલું છે. અહીંથી હિમાલયના પર્વતોના સુંદર નજારા માણવા અને અમુક પળો કેમેરામાં પણ કેદ કરી લેવી. તળાવ નજીકની કેમ્પસાઇટે પહોંચ્યા બાદ આરામ.

ટ્રેકની સમય/અંતરઃ ૫-૬ કલાક, ૭ કિલોમીટર

કેમ્પસાઇટ: સારા તળાવ (૧૦,૫૦૦ ફીટ)

_____________________________________________________

  • દિવસ 04- સારા તળાવ-શુમગા થાય-સારા તળાવ

સવારનો નાસ્તો પતાવ્યા બાદ સામાન્ય આરોહણવાળો માર્ગ ખુલ્લાં વિશાળ મેદાનો તરફ દોરી જશે. શુમગાના વિશાળ ઘાસિયા મેદાનો (સ્થાનિક ભાષામાં થાય) શિયાળામાં હિમની સફેદ ચાદર ઓઢી લે છે. મેદાનોમાં મોનાલ, વનમોર, ખડમોર વગેરે જેવાં પક્ષીઓ જોવા મળી જતા હોય છે. શુમગા શિખર પર જોગણી દેવીનું નાનકડું મંદિર છે, જેની આસપાસ લહેરાતી ધજાપતાકા અલૌકિક દૃશ્ય ઊભું કરે છે. શિખર પરથી સાંઈજ અને તિર્થન વેલીના મનોહર પેનોરામિક વ્યૂ, હિમાલયનાં શિખરો, કુલ્લૂ ખીણમાં વહેતી બિયાસ નદી વગેરે માણ્યા પછી વળતો પ્રવાસ શરૂ.

ટ્રેકની સમય/અંતર: ૬-૭ કલાક, ૮ કિલોમીટર

કેમ્પસાઇટ: સારા તળાવ (૧૦,૫૦૦ ફીટ)

________________________________________________

  • દિવસ-5: સારા તળાવથી નિહરી રોડ

રિર્ટન ટ્રેકનો માર્ગ સૌથી લાંબો અને સતત અવરોહણવાળો રહેશે. સારા તળાવથી લાપઃ ખાતે ડાયવર્ઝન સુધી ઉતરાણ કર્યા બાદ નિહરી રોડનો માર્ગ લેવો. નિહરી પહોંચ્યા બાદ આરામ. ટ્રેકનો છેલ્લો દિવસ સાથીઓ સાથે પ્રવાસના પ્રસંગો વાગોળતા પસાર કરી શકાય.

ટ્રેકની સમય/અંતર: આશરે ૮-૯ કલાક, ૧૨ કિ.મી.

કેમ્પસાઇટઃ નિહરી રોડ (૫,૫૦૦ ફીટ)

_____________________________________________________

  • દિવસ-6: નિહરી રોડથી મંડી

વહેલી સવારે વાહન દ્વારા નિહરી રોડથી નીકળ્યા પછી મંડી સુધીનો ૮૦ કિલોમીટરનો પ્રવાસ કરવામાં ૩થી ૪ કલાક લાગશે. બપોર સુધીમાં મંડી પહોંચી જવાય, એટલે મોડી સાંજે કે રાત્રે બસ/ટેક્સીમાં દિલ્લી/ ચંદીગઢ માટે નીકળી શકાય.

મોટરપ્રવાસનું અવધિ/અંતરઃ આશરે ૩-૪ કલાક, ૮૦ કિ.મી.
➖➖➖➖➖➖➖➖➖
ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો...
  • ઘૂંટી/ ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ,
  • પગમોજાં (ચારથી પાંચ જોડી),
  • ગૉગલ્સ, હાથમોજાં,
  • ટ્રેક પૅન્ટ, ટોપી,
  • વુલન કૅપ,
  • ફલીસ જૅકેટ અથવા સ્વેટર,
  • વૉટરપ્રૂફ જૅકેટ,
  • ટૉવેલ,
  • હાથરૂમાલ,
  • રેઇનકોટ,
  • સનસ્ક્રીન (50 SPF),
  • ટોઇલેટ પેપર,
  • સેનિટાઇઝર,
  • ડિઓડરન્ટ,
  • સાબુ,
  • કોલ્ડ ક્રીમ.
  • પાવર બૅન્ક,
  • કૅમેરા,
  • બૅટરી
  • ચાર્જર,
  • એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ,
  • ટૉર્ચ/હેડ લૅમ્પ,
  • માચીસ અથવા લાઇટર,
  • સ્વિસ નાઇફ,
  • વોટરબૉટલ,
  • સૂકો મેવો, ચીકી, ચૉકલેટ્સ.

  • આધાર કાર્ડ, જરૂરી દવાઓ, ઍલર્જી/બ્લડ ગ્રૂપ

  • અંગેની વિગતો, ઈમર્જન્સી ફોન નંબર્સ.


=============================================