કેદારતાલ, ઉતરાખંડ
ટ્રેક વિષે ટુકમાં
આશરે 15500 ફીટ પર આવેલા કેદારતાલને શિવજીનું તળાવ કહેવામાં આવે છે. ઉત્તરાખંડના સૌથી ઊંચા તળાવોમાં તેની ગણના થાય છે. ગંગોત્રીથી શરૂ થતો કેદારતાલનો 37 કિલોમીટર લાંબો ટ્રેક પડકારરૂપ છે પણ તેની સુંદરતા અદભૂત છે ગંગોત્રી નદીમાંથી રચાતું કેદારતાલ સરોવર થૈલ સાગર, મંદા, ગંગોત્રી, જોગીન 1-2, ભૃગુપંથ જેવા ઊંચા હિમશિખરો થી ઘેરાયેલું છે. તેના નીલવર્ણી ચોખ્ખા પાણીમાં પડતું થૈલ સાગરનું પ્રતિબિંબ ખુબ સુંદર લાગે છે ટ્રેક વખતે માર્ગમાં ભોજપત્રનાં જંગલો, લીલીછમ ખીણો, ઘાસના મેદાનો, ધોધ ,ઝરણા બરફાચ્છાદિત શિખરો જોવા મળે છે.
આશરે 240 કિમિ// 10 કલાક રસ્તો
હોટેલ // ગેસ્ટ હાઉસ
કેદારતાલ માટેનું બેઝકેમ્પ ગંગોત્રી છે, જે દેહરાદૂનથી ૨૪૦ કિલોમીટરના અંતરે હોવાથી દસેક કલાકની મોટર મુસાફરી કરવાની થશે. ગંગોત્રી સમયસર પહોંચાય તે માટે વહેલી સવારે નીકળવું. ઉત્તરકાશી પસાર કર્યા બાદ ગંગોત્રી સુધીના માર્ગમાં ખૂબસૂરત દૃશ્યો જોવા મળશે. ઉત્તરાખંડનું સુંદર ગિરિમથક હર્ષિલ ગંગોત્રીથી પચાસેક કિલોમીટર પહેલાં આવશે. રાત્રિરોકાણ ગંગોત્રીની આસપાસ આવેલા ગેસ્ટહાઉસમાં હશે.
રાત્રિરોકાણઃ ગંગોત્રી હોટેલ // ગેસ્ટહાઉસ (૧૧,૨૦૦ ફીટ)
ભાગીરથી નદીના કિનારે વસેલું ગંગોત્રી ચારધામ યાત્રામાંનું એક હોવાથી અહીં ટ્રેકર્સ ઉપરાંત ઘણા યાત્રાળુઓ પણ જોવા મળે
છે. કેદારતાલ અંદાજે ૧૫,૫૦૦ ફીટની ઊંચાઈ પર આવેલું છે, માટે ટ્રેકરના અનુકૂલન માટે ગંગોત્રી બેઝકેમ્પમાં એક દિવસનું રોકાણ રાખવામાં આવે છે. સવારે નાસ્તા બાદ આસપાસ એકાદ નાનો ટ્રેક કરી બપોર પછીના સમયમાં ગંગોત્રી મંદિર, ગુફાઓ, ગૌરીકુંડ અને સૂર્યકુંડ જેવા સ્થળોની મુલાકાત લઈ શકાય અથવા અહીંના બજારમાં આંટો મારી શકાય. બીજા દિવસથી ટ્રેક શરૂ થવાનો હોવાથી સમયસર પરવારી આરામ કરવો.
DAY-3: ગંગોત્રીથી ભોજખારક
ટ્રેકનો સમય અને અંતરઃ ૬-૭ કલાક, ૮ કિલોમીટર
કેમ્પસાઇટઃ ભોજખારક (૧૨,૪૫૦ ફીટ)
ભોજખારક તરફનો માર્ગ આરોહણવાળો અને ખડકાળ હોવાથી થોડો મુશ્કેલ રહેશે. ટ્રેક દરમ્યાન કેદાર ગંગા નદી ડાબી તરફ દેખાશે. ભોજપત્રનાં જંગલમાંથી પસાર થયા પછી આગળનો રસ્તો સાંકળો થતો જશે. થોડા કલાકોના આરોહણ બાદ સ્પાઇડર વોલ કહેવાતી જગ્યાએ પહોંચાશે. અહીં ૬૦ અંશનો ઢોળાવ ધરાવતા અતિશય ખડકાળ માર્ગ પરથી ચાલવાનું થશે. અમુક સ્થળે કેડી એટલી સાંકળી છે કે ફક્ત એક પગ જ મૂકી શકાય. સાવચેતીપૂર્વક આ જોખમી માર્ગ ઓળંગ્યા પછી ભોજખારકની કેમ્પસાઇટ પહોંચાશે. અહીંથી થેલ સાગર શિખરના દૃશ્યો જોવા મળશે.
DAY-4: ભોજખારકથી કેદારખારક
ટ્રેકનો સમય/અંતરઃ ૩-૪ કલાક, ૫ કિલોમીટર કેમ્પસાઇટ: કેદારખારક (૧૪,૨૦૦ ફીટ)
ગઈકાલની સરખામણીમાં આજનો ટ્રેક ટૂંકો અને સરળ હોવાથી આરામથી નાસ્તો પતાવ્યા બાદ નીકળવાનું થશે. શરૂઆતમાં તીવ્ર આરોહણ છે. ત્યાર બાદ થોડા સમયમાં ટ્રીલાઇન પૂરી થશે અને ઊંચાઈ પર આવેલા ઘાસના લીલાંછમ મેદાનો સુધી પહોંચાશે. સીઝન પ્રમાણે અહીં રંગબેરંગી સુંદર ફૂલો જોવા મળી શકે. માર્ગમાં પક્ષીઓનો કલરવ સંભળાય અને નસીબ સાથ દે તો દેખાય પણ ખરાં! કેદાર ગંગા નદી ઓળંગ્યા બાદ ઘાસનાં મેદાનોમાં કેમ્પસાઇટ આવશે. સૂર્યાસ્તના સમયે ભૃગુપંથ શિખર આકાશમાં ફેલાયેલા સુંદર રંગોના બેકગ્રાઉન્ડમાં અદ્ભુત દેખાય છે.
DAY-5: કેદારખારક-કેદારતાલ -કેદારખારક
ટ્રેકનો સમય/અંતરઃ આશરે ૬-૭ કલાક, ૧૦ કિ.મી. કેમ્પસાઇટઃ કેદારખારક (૧૪,૨૦૦ ફીટ)
ટ્રેકનું મુખ્ય સ્થળ કેદારતાલ આજે જોવા મળશે. જો કે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ ખડકાળ અને વેરાન છે અને રસ્તામાં ત્રણ રીજ (પર્વતીય ધાર) પણ ઓળંગવાની થશે. સહેજ મુશ્કેલ માર્ગે કલાકો સુધી ટ્રેકિંગ કર્યા બાદ નીલવર્ણી કેદારતાલ સરોવરનાં દર્શન થશે. ઊંચાં શિખરોથી ઘેરાયેલા કેદારતાલની સુંદરતા માટે શબ્દો ઓછા પડે. તેના પાણીમાં થૈલ સાગર શિખરના પ્રતિબિંબનો મનમોહક નજારો જોવા જેવો છે. અહીં હવામાન અણધાર્યું રહેતું હોવાથી થોડો સમય પસાર કરી કેદારખારક તરફની વળતી સફર સમયસર શરૂ કરી દેવી.
DAY-6: કેદારખારકથી ગંગોત્રી
ટ્રેકનો સમય/અંતરઃ આશરે ૯-૧૦ કલાક, ૧૪ કિ.મી.
કેમ્પસાઇટ: ગંગોત્રી ગેસ્ટહાઉસ (૧૧,૨૦૦ ફીટ)
આજનો મોટા ભાગનો ટ્રેક અવરોહણનો છે. કેદારતાલની સુંદરતા માણ્યા બાદ ફરી એ જ માર્ગે વળતી સફર ખેડી ગંગોત્રી જવાશે. આરોહણ વખતે ન માણી શકાયેલું કુદરતી સૌંદર્ય અવરોહણ વખતે વધુ સારી રીતે માણી શકાય છે. સવારે સમયસર પ્રવાસ શરૂ કર્યો હોય તો સાંજે ગંગોત્રીમાં આરતીનો લાભ પણ લઈ શકાય.
DAY-7: ગંગોત્રીથી દેહરાદૂન
મોટરપ્રવાસઃ આશરે ૧૦ કલાક/ ૨૪૦ કિ.મી.
ગંગોત્રીથી મોટરમાર્ગે દેહરાદૂન માટે બને તેટલા વહેલા નીકળવું, જેથી મોડી સાંજે કે રાત્રે ટ્રેન/વિમાનમાં જવા માગતા ટ્રેકર્સ સમયસર પહોંચી શકે. ઘણી વખત ટ્રાફિકના કારણે અમુક કલાકો મોડું થતું હોય છે.
ટ્રેકમાં સાથે આટલું લો
- જરૂરી ટ્રેક પેન્ટ અને ટીશર્ટ (જેમ બને તેમ ઓછા)
- સારા હાઇકિંગ બુટ,
- હાથ અને પગના મોજા
- જેકેટ/સ્વેટર , માથાની ટોપી , વુલન કેપ
- હાથ રૂમાલ, રેઇન કોટ, સ્નગ્લાસ, નેપકીન
- ટોયલેટ પેપર, સનક્રીમ, કોલ્ડ ક્રીમ,
- કેમરો, પાવર બેન્ક, ટ્રોચ, વોટર બોટલ,
- સૂકો મેવો, ચોકલેટ, ચીકી,
- આધાર કાર્ડ, જરૂરી દવાઓ, ઇમરજન્સી નંબર
આટલું યાદ રાખો
- ટ્રેક પહેલા થોડી કસરત અને ચાલવાનું રાખો
- કેમ્પ લીડર કે ગાઈડના માર્ગદર્શન ને ધ્યાન આપો
- ગ્રુપમાં ચાલો, શાંતિથી ચાલો,
- પાણી વધારે પીવો,
- એક બીજાને મદદ કરો,
- જ્યાં ત્યાં કચરો ના ફેંકો
- પર્યાવરણ ની જાળવણી કરો
- દારૂ કે અન્ય નશા થી દુર રહો..
- આકસ્મિક સંજોગોમાં શાંતિ રાખીને મદદ કરો...
✔️ટ્રેક પૂરો કરવા માટે શારીરિક શક્તિ કરતા માનસિક શક્તિ વધારે મજબૂત હોવી જોઈએ....
અલગ અલગ સ્થળની માહિતી માટે