"ટ્રેકિંગ" એટલે શું...?..ભાગ:- 01

                     "ટ્રેકિંગ" એટલે શું...?...વારંવાર સંભળાતો શબ્દ 
                                                              ભાગ:- 01


   (  માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )

                                              દિવસે ને દિવસે આપડા ગુજરાતીઓમાં ફરવાનો ક્રેઝ વધતો જાય છે. ખાસ કરીને તહેવારોમાં લોકો કયાંકને કયાંક ફરવા જવા લાગ્યા છે. આ ઉપરાંત કેટલાય લોકો ટ્રેકિંગ કરવા પણ જાય છે. વારંવાર કેટલાય લોકોને ટ્રેકિંગ શબ્દ સંભળાતો રહે છે. ઘણાખરા લોકો ટ્રેકિંગની એક અલગ દુનિયાથી માહિતગાર હોતા નથી. તો આજે આપણે ટ્રેકિંગ શું છે અને કયાં કરવામાં આવે છે તેની માહિતી મેળવીશું.

સૌપ્રથમ તો જાણીએ કે ટ્રેકિંગ એટલે શું...?

              ટ્રેકિંગ એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય કોઈ એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જવું. ચાલવાનું નામ પડે તો કેટલાય લોકોના મોતિયા મરી જતા હોય છે. પણ ટ્રેકીંગની દુનિયા આખી અલગ જ હોય છે. કુદરતના ખોળે મનમોહક સુંદરતા નિહાળતા નિહાળતા ચાલતા જવું. સુંદર અને રળિયામણું દૃશ્ય જોવા માટે હંમેશા પરીશ્રમ કરવો જ પડે છે. ટ્રેકિંગ એક એવું ક્ષેત્ર છે કે જયાં તમે દુનિયાથી અલિપ્ત બનીને મોબાઈલ - ટીવી, ઈન્ટરનેટ - ઈલેકટ્રીસીટી વગર કુદરતના સૌંદર્યને માણવાનો અદભુત લહાવો મેળવી શકો છો. ગર્જતા વરસાદની ભીની ખુશ્બુનો અનેરો આનંદ ઉઠાવી શકો છો. મેઘધનુષ્યના સાતેય રંગો નિહાળી શકો છો. ઉગતા સૂર્યોદય સાથે જ પક્ષીઓનો કલરવ તમારા મનને મંત્રમુગ્ધ કરી આપે છે. ટૂંકમાં કહીએ તો ટ્રેકિંગ એટલે કુદરતની સમીપ જવાનું એક માધ્યમ.

ટ્રેકિંગ કયાં - કયાં કરી શકાય...?

          ઘણાય લોકો એવું વિચારતા હોય છે કે ટ્રેકિંગ એટલે પહાડો ચડવા અથવા જંગલોમાં જવું. હકીકતમાં ટ્રેકિંગ ફક્ત જંગલો કે પહાડો પુરતુંં મર્યાદિત નથી. આજે આપડે ઈન્ટરનેટના માધ્યમથી જોઈશું તો કેટલાય લોકો અવનવી જગ્યા અને ક્ષેત્રોમાં ટ્રેકિંગની જાહેરાતો કરતા હોય છે. ખાસ કરીને અત્યારે આપણે દરિયાકાંઠાનું ટ્રેકિંગ, રણમાં ટ્રેકિંગ, નદિના કિનારે ટ્રેકિંગ, નદિની અંદર ટ્રેકિંગ, જંગલમાં ટ્રેકિંગ, પહાડોમાં ટ્રેકિંગ, વગેરે જેવા ક્ષેત્રોમાં ટ્રેકિંગ સહેલાઈથી કરી શકીએ છીએ. તમામ પ્રકારના ટ્રેકિંગમાં ટેન્ટ નાખીને કેમ્પીંગ પણ કરી શકાય છે. ઉપરાંત અમુક ટ્રેકિંગ રુટ લાંબાં હોય તો કેમ્પીંગ સાથે રસોઈ બનાવવા માટે રસોઈઓ અને સામાન ઉંચકવા માટે પોર્ટરને પણ સાથે લેવા પડે છે. 1-2 દિવસીય ટ્રેકિંગ માટે વધારે સામાન કે રસોઈની વ્યવસ્થા કરવાની જરુરિયાત ઓછી રહે છે કેમ કે તેમાં સાથે સૂકો નાસ્તો લઈ જઈ શકાય છે. અહીં એક વસ્તું ચોક્કસ યાદ રાખવી કે કોઈપણ જગ્યાએ ટ્રેકિંગમાં જતી વખતે આપણે કોઈ પણ જાતનો કચરો કે પ્લાસ્ટિક જયાંત્યાં ફેંકીને પર્યાવરણને નુકસાન પહોંચાડવું જોઈએ નહિ. તો ચાલો દરેક ટ્રેકિંગનું ક્ષેત્ર થોડું વિસ્તૃત રીતે સમજીએ.

                          :- ક્રમશ ભાગ 2 માં આગળ

અલગ અલગ સ્થળની માહિતી માટે
કિલક કરો અને ફોલો / subscrib
           👇👇👇