હામટા પાસ , હિમાચલ પ્રદેશ
( માહિતી સારી લાગે તો ફોલો અને લાઈક કરવાનુ નહીં ભૂલતા )
ટ્રેકનો સમય : ૪/5 દિવસ ટ્રેકનો ખર્ચ : 9000 થી 10000 રૂ.( અંદાજિત )આદર્શ સમય : ચોમાસા સિવાયના મહિના
ટ્રેકનું આરંભસ્થળ : મનાલી , હિમાચલ પ્રદેશ
કેવી રીતે પહોંચવું ?
વિમાનમાર્ગે દિલ્લી / ચંદીગઢ / ભુન્તર પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા મનાલી .
રેલ મારફત દિલ્લી / ચંદીગઢ પહોંચી ત્યાંથી બસ / ટેક્સી દ્વારા મનાલી .
હામટા પાસ ;- પૂર્વભૂમિકા
હિમાલયના પર્વતો , લીલાંછમ ઘાસનાં મેદાનો , રંગબેરંગી ફૂલો , ઝરણાં , હિમસરિતા , ખીણપ્રદેશ ... આ છે હિમાચલ પ્રદેશના હામટા પાસનું વૈવિધ્ય . કુલ્લૂ ખીણના સૌથી પ્રખ્યાત ટ્રેકમાં હામટા પાસનો સમાવેશ થાય છે . ચોમાસાના સમય દરમ્યાન અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હોય છે . ચારેય તરફ અનેક પ્રકારનાં ફૂલો જોવા મળે છે , એટલે હામટાનો ખીણપ્રદેશ કુલ્લૂની વેલી ઓફ ફ્લાવર તરીકે પણ પ્રખ્યાત છે . હામટા ઘાટનો કુલ્લૂ ખીણ તરફનો વિસ્તાર અત્યંત લીલોછમ છે , જ્યારે સ્પીતિ તરફનો વિસ્તાર એકદમ સૂકો અને ઠંડો છે . આમ એક જ સ્થળેથી કુદરતના બે અલગ સ્વરૂપો જોવા મળે છે .
DAY - 1 : મનાલીથી ચિકા
સવારે મનાલીથી મોટરપ્રવાસ કરી જોબરી નાલા ડેમ સાઇટ પહોંચવું . જોબરી નાલાથી ટ્રેકની શરૂઆત થાય છે . આજના દિવસનો ટ્રેક પ્રમાણમાં ટૂંકો અને સરળ કહી શકાય તેવો છે . ઘાસનો મેદાની વિસ્તાર પસાર કરી ચિકા પહોંચ્યા બાદ ચા - નાસ્તો કરી નજીકમાં જ આવેલા ધોધ સુધી ચાલતા જવું , જેથી શરીર હિમાલયની ઊંચાઈ અને વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે .
ટ્રેકનો સમય :- મોટરમાર્ગે ૪૫ મિનિટ . આશરે થી ૩ કલાકનું ટ્રેકિંગ ,
કેમ્પસાઇટ : ચિકા ( 9,900 ફીટ )
DAY - 2 : ચિકાથી ભાલુઘેરા
આજના ટ્રેકમાં શરૂઆતનો ચઢાણવાળો ટ્રેક પસાર કરી ત્યાર બાદ વહેતા નાળાને પસાર કરવાનું છે . આથી સેન્ડલ / સ્લિપરની જોડી સાથે રાખવી . નાળું પસાર કર્યા પછી નદીની સાથે આગળ વધતા ટ્રેકમાં સુંદર નાના પહાડી ફૂલોવાળો વિસ્તાર , પથ્થરોનો ચઢાણવાળો વિસ્તાર પાર કરીને ભાલુઘેરા કેમ્પ સાઇટ પહોંચાશે . નદીની નાની ધારાઓ અને ત્રણ બાજુ ઊંચા પહાડોની વચ્ચે આવેલા ભાલુઘેરમાં સાંજ ઢળ્યે ઠંડીનું પ્રમાણ વધે છે .
ટ્રેકનો સમય : ૩-૪ કલાકનું ટ્રેકિંગ .
કેમ્પસાઇટઃ ભાલુઘેરા ( 11,800 ફીટ )
DAY - 3 : ભાલુઘેરા - હામટા પાસ -
ભાલુઘેરા આજે હામટા પાસ પહોંચવાનું અને ત્યાંથી પરત આવવાનું હોવાથી ટ્રેક વહેલી સવારે ૬:૦૦ વાગ્યે શરૂ કરવો જરૂરી છે . ઘણોખરો અથવા સંપૂર્ણ ટ્રેક બરફમાં કરવાનો થઈ શકે છે . ટ્રેક શરૂ કર્યા પછી હામટા ઘાટનું ચઢાણ ક્રમશઃ તીવ્ર થતું જશે . બે તબક્કામાં ચઢાણ પૂરું કરીને ચારથી પાંચ કલાક બાદ ૧૪,૦૦૦ ફીટની ઊંચાઈએ હામટા ઘાટ પહોંચાશે . અહીંથી દેખાતા ઈંદ્રાસન અને દેવતિબ્બા શિખરો તેમજ લાહૌલ તથા સ્પીતિ ખીણોનો અદ્ભુત નજારો મન અને શરીરને તાજગી આપે તેવો છે . પહાડોમાં વાતાવરણ ગમે ત્યારે બગડી જતું હોય છે , એટલે હામટા પર પંદર - વીસ મિનિટનું રોકાણ કર્યા પછી વળતો પ્રવાસ શરૂ કરી દેવો પડે છે . આ સમયગાળા દરમ્યાન યાદગીરી માટે ફોટો લઈ લેવા . ઘાટથી કેટલાક ફીટ નીચે ઊતરી આવ્યા પછી બપોરનું પેક્ડ લંચ આરોગી , થોડોક આરામ કરી વળી પાછા ભાલુઘેરા કેમ્પ સાઇટ પહોંચવું .
ટ્રેકનો સમય: ૭-૮ કલાક
કેમ્પસાઇટ : ભાલુઘેરા ( 11,800 ફીટ )
DAY - 4 : ભાલુઘેરા - ચિકા -
મનાલી ભાલુઘેરાથી વાયા ચિકા થઈને ટ્રેક કરી જોબરી નાલા પહોંચવાનું અને ત્યાંથી ટેક્સીમાં બેસી મનાલી ,
ચંદ્ર તાલ તળાવ
ચંદ્રતાલની મુલાકાત કાં તો દિવસ 4 અથવા 5મા દિવસે લઇ શકાય છે . ચંદ્રતાલ તળાવ (જે ચંદ્ર તળાવ તરીકે ઓળખાય છે) સુધી જઈ શકો છો. તળાવનો સંપૂર્ણ વાદળી રંગ આસપાસના વાતાવરણમાં અદ્ભુત અસર કરે છે. ચત્રુ કેમ્પ સાઇટથી ચંદ્રતાલ તળાવ 45 કિમી દૂર છે. જો રસ્તા અને હવામાનની સ્થિતિ સારી હોય અને પરવાનગી મળે તેમ હોય તો જઈ શકાય છે. ઉનાળાના મહિનાઓમાં જ ચંદ્રતાલની મુલાકાત લઈ શકો છો. નહીં, તો તમારે ચત્રુથી મનાલી સુધી સીધું વાહન માં આવી જવું પડે છે
ટ્રેક દરમ્યાન આટલું સાથે રાખો ...
ઘૂંટી / ankle સુધીના ખડતલ હાઈકિંગ શૂઝ ,
પગમોજાં ( ચારથી પાંચ જોડી ) ,
ગોગલ્સ , હાથમોજાં , ટ્રેક પૅન્ટ ,
ટોપી , વુલન કેંપ , ફ્લીસ જૅકેટ અથવા સ્વેટર , વૉટરપ્રૂફ જૅકેટ ,
ટૉવેલ , હાથરૂમાલ , રેઇનકોટ , સનસ્ક્રીન ( 50 SPF ) ,
ટોઇલેટ પેપર , સેનિટાઇઝર , ડિઓડરન્ટ , સાબુ , કોલ્ડ ક્રીમ .
પાવર બૅન્ક , કેમેરા , બૅટરી ચાર્જર , એક્સ્ટ્રા બૅટરી તથા મેમરી કાર્ડ ,
ટૉર્ચ હેડ લૅમ્પ , માચીસ અથવા લાઇટર , સ્વિસ નાઇફ ,
વોટર બૉટલ , સૂકો મેવો , ચીકી , ચોકલેટ્સ .
આધાર કાર્ડ , જરૂરી દવાઓ , એલજી બ્લડ ગ્રૂપ અંગેની વિગતો ,
ઇમર્જન્સી ફોન નંબર